અધ્યાય ૧૪: ગુણ ત્રય વિભાગ યોગ
14.1
દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
14.2
જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે, તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુન:જન્મ થશે કે ન તો પ્રલયકાળે વિનાશ થશે.
14.3 – 14.4
સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.
14.5
હે મહાબાહુ અર્જુન, માયાશક્તિ ત્રણ ગુણોની બનેલી છે—સત્ત્વગુણ, રજોગુણ, અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે.
14.6
આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.
14.7
હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે.
14.8
હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે.
14.9
સત્ત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે; રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે.
14.10
હે ભરતપુત્ર, કેટલીક વાર સારાઈ (સત્ત્વ), આવેશ (રજસ) અને અજ્ઞાન (તમસ) પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર આવેશ (રજસ), ભલાઈ (સત્ત્વ) અને અજ્ઞાન (તમસ) પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન (તમસ), ભલાઈ (સત્ત્વ) અને આવેશ (રજસ) પર હાવી થઈ જાય છે.
14.11 – 14.13
જયારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્ત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જયારે રજોગુણની પ્રધાનતા હોય છે, ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા, અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની, અને મોહ—આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે.
14.14 – 14.15
જે લોકો સત્ત્વ ગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે, તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક (જે રજસ અને તમસથી મુક્ત છે)માં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, જયારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે, તેઓ પશુ યોનિમાં જન્મ લે છે.
14.16
એવું કહેવાયું છે કે સત્ત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો દુઃખમાં પરિણમે છે, જયારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે.
14.17
સત્ત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે, રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.
14.18
સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.
14.19
જયારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કર્તા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે.
14.20
શરીર સાથે સંબંધિત માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી ગુણાતીત થઈને, વ્યક્તિ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે.
14.21
અર્જુને પૂછયું: હે પ્રભુ! જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઊઠી ગયેલા છે, તેમના લક્ષણો કયા છે? તેઓનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનોને કેવી રીતે ઓળંગી જાય છે?
14.22 – 14.23
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.
14.24 – 14.25
જે સુખ અને દુઃખમાં સમાન હોય છે; જે સ્વમાં સ્થિત હોય છે; જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સમભાવે જોવે છે; જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓમાં સમાન રહે છે; જે ધીર છે; જે નિંદા અને સ્તુતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે; જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે—તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવ્યા છે.
14.26
જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્મની અવસ્થાએ પહોંચે છે.
14.27
હું નિરાકાર બ્રહ્મનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું.
"ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः॥"
ગીતાનું અધ્યાય 14 નું સારાંશ નીચેના પોઇન્ટ વિશે છે:
ગુણત્રય વિભાગ: આ અધ્યાયમાં ત્રિગુણાત્મક પ્રકૃતિનો વર્ણન થાય છે - સત્ત્વ, રજ, તમ.
સત્ત્વ ગુણ: સત્ત્વ ગુણ વાસ્તવિકતા, જ્ઞાન, પ્રેમ અને શાંતિને લાવે છે.
રજ ગુણ: રજ ગુણ પ્રકૃતિના ઉત્સાહ, ક્રિયાશીલતા અને આત્મની સંકલ્પશીલતાને લાવે છે.
તમ ગુણ: તમ ગુણ અજ્ઞાન, અલસતા, અધોગતિ, અને અજાગ્રતાને લાવે છે.
ગુણાતીત સ્થિતિ: અધ્યાય 14 માં ભગવાન કૃષ્ણ ગુણાતીત સ્થિતિને પ્રસ્તાવિત કરે છે, જે આત્મને મોક્ષ સુધી લઈ જવા માટે જરૂરી છે.
મહત્ત્વ: આ અધ્યાયમાં ગુણાતીત સ્થિતિનો મહત્ત્વ અને તેની પ્રાપ્તિ કરવાની માર્ગ ચર્ચા થાય છે.
નિયતિ-પ્રકાર: આ અધ્યાયમાં નિયતિનો પ્રકાર અને તેના લાભો વર્ણન થાય છે.
આ પોઇન્ટ્સ આપને ગીતાના અધ્યાય 14 નું સાર આપે છે.
Comments
Post a Comment